સુરેન્દ્રનગર વિષે આટલું જાણો


સૌરાષ્ટ્ર રાજયના સમયનો ઝાલાવાડ જિલ્લો અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાનું વડુ મથક સુરેન્દ્રનગર-સૌરાષ્ટ્રનું દ્વાર છે. સુરેન્દ્રનગરની ભૌગોલિક, ઐતિહાસિક, રાજકીય અને સામાજીક સ્થિતિએ આ શહેરના ઔદ્યોગિક વિકાસમાં મોટો ભાગ ભજવ્યો છે આમ આ શહેર આર્થિક, સામાજિક, શૈક્ષણિક અનેક ક્ષેત્રોમાં છેલ્લા ઘણા વર્ષોથી હરણફાળ ભરી રહયું છે.

આ શહેરને લગતી માહિતિ નીચે મુજબ છે.

 • સ્થાન : મુખ્ય દરિયાઇ સપાટીથી ર૩ર ફુટ ઉંચાઇએ રર.૪૪ અક્ષાંસ અને ૭૫.૩૯ રેખાંશ પર સૌરાષ્ટ્રની ઉત્તર પૂર્વે વસેલું છે.
 • વરસાદ : વરસાદ સાધારણ એટલે આશરે ૧૦૦૦ થી ૧૫૦૦ મી.મી.
 • આબોહવા : સાધારણ વરસાદના કારણે ઉષ્ણતામાન શિયાળામાં અતિ નીચું અને ઉનાળામાં ઘણું ઉંચુ રહે છે. આ કારણોસર આબોહવા સુકી હોવાથી આરોગ્યકારી છે.
 • ઉષ્ણતામાન : વધુમાં વધુ ૧૧૬ ફેરનહીટ એટલે ૪૬.૬૬ સેન્ટીગ્રેડ અને ઓછામાં ઓછું ૫૫ ફેરનહીટ એટલે ૧ર.૬૬ સેન્ટીગ્રેડ

નગરપાલિકાની સ્થાપના તા. ૭/૦૧/૧૮૬૪ સુરેન્દ્રનગર પ્રથમ વઢવાણ સીવીલ સ્ટેશનના નામથી ઓળખાતું હતું, કારણકે બ્રીટીશ એજન્સીના વખતમાં તે પોલીટીકલ એજન્ટનું થાણું હતું. સને ૧૮૬૪ માં બ્રીટીશ એજન્સીના તા. ૭/૦૧/૧૮૬૪ ના કરારથી વઢવાણ સ્ટેટના ઠાકોર સાહેબ અને દૂધરેજના ભાગીદારો પાસેથી જે જમીન મેળવવામાં આવી તે આ સુરેન્દ્રનગર. અંગ્રેજ રાજયના વખતમાં સીવીલ સ્ટેશનના વહીવટમાં પોલીટીકલ એજન્ટ અને આસી. પોલીટીકલ એજન્ટને મદદરૂપ થવા માટે ૬ (છ) ઓફીસર્સની અને નોન ઓફીસર્સની એક કમીટી રચવામાં આવેલ તે સને ૧૮૬૪ થી ૧૯ર૬ સુધી રચવામાં આવેલ.

તારીખ ૧/૧૦/૧૯ર૬ થી સદરહુ કમીટીની વિશાળ સલાહકાર બેસીસ પર પુનઃરચના કરવામાં આવી હતી. સને ૧૯૪૭ ના ૧૫ મી ઓગષ્ટે ભારતે સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું. બ્રીટીશ સલ્તનતનું અસ્તિત્વભુંસાઇ ગયું. તે વખતે આ વઢવાણ કેમ્પ વઢવાણ શહેરના રાજવીને સોંપાયું. આ વખતે વઢવાણ સ્ટેટના ઠાકોરશ્રી સુરેન્દ્રસિંહજીએ પોતાના હજુર પ.જા.નં. ૩ર૬, તા. ૧૯/૦૭/૪૭ થી વઢવાણ કેમ્પનું નામ બદલીને પોતાના નામ ઉપરથી સુરેન્દ્રનગર રાખ્યું. આમ " સુરેન્દ્રનગર " નામ તા. ૧/૦૮/૪૭ ના ઠરાવ નંબર ૩૬ થી પ્રમુખ, ઉપ-પ્રમુખ અને પાંચ સભ્યોની એક ટેમ્પરરી મ્યુનીસીપ્લ કમીટી રચેલ, ત્યારબાદ સ્ટેટના ઠરાવ નંબર ૪૯, તા. ૧૫/૦૩/૪૮ થી એક ટેમ્પરરી કમીટી નોમીનેટ નિયુકત કરવામાં આવેલ.

આ કમીટીમાં પ્રમુખ અને ઉપ-પ્રમુખ સહિત ૧૭ સભ્ય હતાં. વઢવાણ સ્ટેટ નીચે સુરેન્દ્રનગર આવતાં બાજુના ગામો જોરાવરનગર અને રતનપર એ બન્ને ગામો સ્ટેટના જ હોઇ જોરાવરનગરને પણ તા. ૧૫/૦૭/૪૮ થી ચુંટાયેલી મ્યુનીસીપાલીટી આપવામાં આવી. આમ સને ૧૯૪૮ માં બ્રીટીશ શાસન જતાં દેશી રાજયોનું વિલિનિકરણ થયું અને તેથી સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર રાજય નીચે આવ્યું. સૌરાષ્ટ્ર સરકારે બનાવેલ સને ૧૯૦૧ બોમ્બે ડીસ્ટ્રીકટ મ્યુનીસીપલ એકટની જોગવાઇ અનુસાર સુરેન્દ્રનગર નગરપાલિકા તા. ૧૫/૧૦/૪૯ થી અસ્તિત્વમાં આવી. આમ પહેલી ચુંટાયેલ નગરપાલિકાનું ઉદધાટન સૌરાષ્ટ્ર રાજયના તે વખતના મુખ્યમંત્રી શ્રી ઉછંગરાય ન. ઢેબરના વરદ્ હસ્તે થયું.

તા. ૧૭/૧૧/૧૯૯૪ માં "દૂધરેજ" ગ્રામ નગરપાલિકામાં ભળતા "સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા" કે જે સુરેન્દ્રનગર, જોરાવરનગર,રતનપર અને દૂધરેજ વિસ્તારનો વિસ્તાર સમાવિષ્ટ થઇ કુલ ચો.મી. ૩૬.૮૭ નો વિસ્તાર છે.

:: - જાહેર વિજ્ઞપ્તિ - ::


 • (૧) શહેરને આધુનિક અને રળીયામણું બનાવવા માટે નગરપાલિકા દ્વારા હાથ ધરાતી સફાઇ ઝુંબેશમાં સહકાર આપીએ.
 • (ર) પાણી એ જીવન જીવવા માટે જરૂરી પ્રવાહી છે. સંકલ્પ કરીએ તેનો દુર્વ્યય ન થાય.
 • (૩) નગરપાલિકાની પાણીની લાઇનો સાથે કોઇપણ પ્રકારના ચેડા કરવા તે ફોજદારી ગુન્હો બને છે.
 • (૪) શહેરના વિકાસ કાર્યોને પ્રગતિશીલ બનાવવા નગરપાલિકાના તમામ કરવેરા તથા ભાડા નિયમિત ભરપાઇ કરીએ.
 • (પ) નગરપાલિકા દ્વારા ઘર,ઘરમાંથી કચરા મેળવવા સહકાર આપવા અનુરોધ કરે છે.
 •       - તમારા ઘર,દુકાન, ઓફીસ, કાર્યાલય સાફ કર્યા પછી કચરો બહાર રોડ પર નહિ ફેંકતા, કચરો એકત્ર કરવા ફરજીયાત પણે કચરાપેટી રાખીએ અને તેનો ઉપયોગ કરીએ.
 •       - ઢોર, ઢાંખરને જાહેર રોડ ઉપર બાંધવા કે રખડતા ન મૂકો, છાણ, વાસીદાનો કચરો કચરાપેટીમાં નાખીએ.
 •       - આપણા ઘરની આસપાસ એક છોડને ઉછેરવાની નૈતિક જવાબદારી લઇએ.
 •       - પાણીના પાઉચ કે કોઇપણ પ્રકારના પાન-મસાલા, ગુટકા કે પ્લાસ્ટીક પ્રતિબંધિત થેલીઓ (૫૦ માઇક્રોનથી પાતળી પ્લાસ્ટીક બેગ) નો ઉપયોગ ટાળીએ તથા આવી ચીજો જયાંત્યાં ન ફેંકતા કચરાપેટીમાં નાખી પશુધન બચાવીએ.
 • (૬) વૃક્ષોનો ઉછેર ફકત પ્રદુષણ અટકાવતો નથી, માનવજીવન માટે પણ અનિવાર્ય છે.
 • (૭) જન્મ-મરણની નોંધણી દિવસ-ર૧ માં કરાવી લેવાનું ફરજિયાત છે.
 • (૮) રોગ પ્રતિકાર માટે મચ્છરોની ઉત્પતિ થતા સ્થાનો દૂર કરો, રોગ પ્રતિકારક રસી મુકાવો અને ખાસ પ્રકારનો કેસ બને તો તુરત જ નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ કરો.

"આવો કરીએ સંકલ્પ બની એક, કેળવીએ એકતા "